સકંજો

શું છે સકંજો?

૫૪ વર્ષના ઇન્સ્પેક્ટર જાડેજા એટલે ક્રોધ, ન્યાય, તાકાત, અને હોંશિયારીભર્યું અણનમ વ્યક્તિત્વ. લખપતના કિલ્લામાંથી એક લાશ મળી આવે છે જેની છાતી પર જાડેજાના નામે એક સંદેશો છે. જાડેજા તપાસ માટે જાય છે અને વીસ વર્ષ જૂના, એણે સંભાળેલા ‘ઠગ કેસ’ ની નકલ કરતો કાતિલ, જાડેજાની સાથે એક ભયંકર રમત માંડે છે. 

જાડેજાની મદદે આવે છે સબ ઇન્સ્પેક્ટર ઇકબાલ વિરાણી અને જુવાન પત્રકાર તેજલ ભગત. એક પછી એક લાશો પડવા માંડે છે અને છેલ્લો વારો જાડેજાનો છે. કાતિલના સકંજામાં ફસાતા જાડેજાના બધા પ્રયાસ બાતલ જાય છે. 

શું આ ત્રિપુટી સમય રહેતાં તેને પકડી શકશે? કે પછી આ કેસ જાડેજા પર ભારે પડશે? ગુજરાતીની પહેલી મોડર્ન સસ્પેંસ થ્રિલર નવલકથા જે એક બેઠકે વાંચી નાખવાનું પ્રલોભન આપશે, સકંજો.  

પહેલા બે અધ્યાય નીચે વાંચી શકો છો. અને ઈ-બૂક ખરીદવા માટે નીચેના બટન પર ક્લિક કરો.   

પ્રિન્ટ કોપી પણ જલ્દી અમાઝોન પર મળશે. પણ ત્યાં સુધી તમે akashjoshi@gmail.com પર લખીને પણ મંગાવી શકો છો.

Buy on Amazon

પહેલા બે અધ્યાય

એક

દેવીના દ્વારેથી હું બોજો લઈને ઉપડ્યો, ખભે મારા સામાનનો અને મનમાં મારા કર્મોનો. માણસનું ઘડતર વિચિત્ર છે. જીજીવિષા તો બધાં જ પ્રાણીઓમાં હોય એટલે તે પોતાનો સ્વાર્થ પહેલા જુવે. પણ મન અને વિવેક ફક્ત માણસમાં જ હોય. તેમ છતાં તે જયારે પણ પ્રભુના દ્વારે આવે છે, તેના વિવેકને બાજુમાં મૂકીને પોતાનો સ્વાર્થ સાધે છે, પોતાની કંઈક ને કંઈક માંગણી લઈને આવે છે. કોઈ સારા ભવિષ્ય માટે, તો કોઈ પાપ ધોવા માટે, તો કોઈ બીજી તક માટે આવે છે. બીજાં માટે ભાગ્યે જ કોઈ પ્રાર્થના કરે છે. તો પહેલાં સ્વાર્થ સાધતાં ભૂલો કરો અને પછી તેના કર્મોથી બચવા પ્રભુ પાસે આવો. પણ પોતાની ભૂલ સુધારવા માટે બીજી તક મળવી એ તો ઘણી અઘરી વાત છે.

મઢના પ્રાંગણથી બહાર નીકળીને હું થોડીવાર ઉભો રહ્યો. હળવો પવન ચાલતો હતો. વાતાવરણમાં ઠંડક હતી કેમ કે સૂર્યોદય હજી થયો ન હતો. ક્ષિતિજની વાદળીમાં સહેજ કેસરી રંગ દેખાઈ રહ્યો હતો. એક વાર સૂર્યદેવ માથે આવે પછી આ રણમાં એમના તાપથી પેલા હળવા પવન સિવાય કોઈ છુટકારો ન આપી શકે. મેં ઊંડો શ્વાસ લીધો. સવારની શાંતિમાં મંદિરનો ઘંટારવ અને પ્રાર્થનાઓ સંભળાતી હતી. પાછા જવા માટે મેં કદમ આગળ વધાર્યા.

બેસતું વર્ષ લઈને સૂર્યદેવ લોકોને જગાડવાની તૈયારીમાં હતા. મેં ઘડીયાળ જોઈ. 

સવારના ૬ વાગ્યા હતા. બેસતાં વર્ષની સવાર. 

નવું વર્ષ કંઈક નવું લાવશે? કે પછી એ જ જૂનું પુરાણું? મેં ખભા ઝાટક્યા, મને શું ફેર પડે છે? માણસની માણસાઈ જોઈ જોઈને બધા ભ્રમ ભાંગી ગયા હતા. ૫૪ વર્ષની ઉમરે ઘણી દુનિયા જોઈ હતી, અને આવી દુનિયામાં લાગણી જેવું ઘાતક કંઇ છે જ નહિ તેની જાણ મને ક્યારનીએ થઇ ગઇ હતી. હવે હું આ દુનિયામાં મારી સ્વસ્થતા ટકાવી રાખવા જેટલું જરૂરી હોય, એટલું જ કરતો. મેં નિસાસો નાખ્યો અને ચાલ્યો મારી ગાડી તરફ. નવા વર્ષમાં જૂની વાતો તરફ.

છેલ્લું વર્ષ શાંતિથી જતું રહ્યું, કંટાળો આવે એવી શાંતિ. એ કંટાળાથી મને જો કોઈ બહાર લાવી શકે તો તે છે અપરાધ. અપરાધ થાય અને મારું ૫૪ વર્ષ ઘરડું શરીર ૪૫નું થઇ જાય. અને એ પણ નાના મોટા અપરાધ નહિ, મોટા મોટા અપરાધ. મોટાભાગના કંટાળાજનક જીવનમાં ક્યારેક ક્યારેક જ કંઈક કરવા લાયક, ઉત્તેજક કામ આવે. એવું જ કોઈ ઉત્તેજક કામ મારું મગજ શોધી રહ્યું હતું. પણ જે મારા માટે ઉત્તેજનાનો વિષય છે, તે સામાન્ય લોકો માટે ભય અને ચિંતાનો વિષય છે. શું કરીએ?

સવારની શાંતિમાં મારા ફોને ખલેલ પહોંચાડી. મેં ખીસામાં હાથ નાખીને ફોન બહાર કાઢ્યો અને જોયું. ખાલી નમ્બર, કોઈ નામ નહિ. હું ટેવાયેલો હતો આવા અજાણ્યા ફોન કૉલ થી, મેં કનેક્ટ કર્યો.

‘ઇન્સ્પેક્ટર જાડેજા?’ સામેથી અવાજ આવ્યો. અવાજમાં જુવાની હતી અને સત્તાના પડઘા પણ હતા. સત્તા તો મારા અવાજમાં પણ હતી, પેદા થયો ત્યારની.

‘કોણ બોલે છે?’ મેં પૂછ્યું.

‘એસ.આઈ ઇકબાલ વિરાણી બોલું છું સાહેબ,’ જવાબ આવ્યો. 

હું કંઈ ન બોલ્યો. હું આનો પણ ટેવાયેલો હતો. એક પોલીસવાળાને બીજા પોલીસવાળાનો ફોન આવે એમાં શું નવાઈની વાત છે? એ વાત આગળ વધારે તેની મેં રાહ જોઈ.

‘હું નારાયણ સરોવર પોલીસ થાણાનો ઇન-ચાર્જ છું. એક લાશ મળી આવેલ છે લખપત કિલ્લામાંથી.’

લખપત કિલ્લો? 

એક જમાનામાં કચ્છના બાપુઓનો મહત્વપૂર્ણ કિલ્લો. જાડેજાઓનો આ કિલ્લો એમનાથી પણ ઘણો જુનો હતો. ૧૮મી સદીના ભૂકંપ સુધી જ મહત્વપૂર્ણ પછી તો પ્રભુએ તેની મહત્તા છીનવી લીધી. અને જયારે પ્રભુ ધારે, તો કોણ તારે? લખપતના વિચારોમાંથી હું બહાર આવ્યો અને ધ્યાન ‘લાશ’ તરફ દોર્યું. ત્રીસ વરસથી પોલીસમાં હતો. લાશ મળવી કંઈ નવું ન હતું. હું ફરી કંઈ ન બોલ્યો. હજુ વાત બાકી હતી, મેં રાહ જોઈ.

‘સાહેબ, તમે માતાના મઢ પાસે છો?’

હવે મારું મગજ જાગ્યું. તેને કઈ રીતે ખબર પડી? કદાચ વડોદરા મારા થાણામાં કૉલ કરીને ખબર કાઢી હોય. પણ હું ખોટો પડ્યો.

‘સર, હું સીધો તમને જ કૉલ કરું છું. હું નથી જાણતો કે તમે ક્યાં ફરજ બજાવો છો કે પછી તમે હાલમાં ફોર્સમાં છો કે નહિ.’

માણસ મારા વિચારો વાંચી રહ્યો હતો. છેલ્લે હું બોલ્યો.

‘હજુ ખભે વર્દી છે. પણ તમને મારો નમ્બર ક્યાંથી મળ્યો?’

એકાદ-બે પળ બીજી બાજુ શાંતિ પ્રસરી રહી. પછી વિરાણીનો અવાજ આવ્યો.

‘લાશ પર તમારા માટે સંદેશો છે.’

હવે મારું મગજ પૂરઝડપે દોડવા લાગ્યું. છેવટે કરવા લાયક કામ આવી પડ્યું! મારા ખભા થોડા સીધા થઇ ગયા.

‘પુરુષ કે સ્ત્રી? શું સંદેશો છે?’

‘પુરુષ. તેની છાતી પર સંદેશો છે. ચાર લીટીઓ છે. બીજી લીટીમાં તમારું નામ, રેંક, નમ્બર અને લોકેશન છે.’ 

સડકની બાજુમાં બસ ઉભી હતી. ભક્તો દર્શન માટે ગયાં હતાં અને ખાલી બસ એમના પાછા આવવાની રાહ જોઈ રહી હતી. બારીમાંથી છાપું લટકતું હતું. મારું ૬ ફૂટનું શરીર બારીની બાજુમાં આવ્યું અને મેં છાપું લઇ લીધું. હું જયારે નાનો હતો, ત્યારે આખા ગામમાં એક કે બે છાપા આવતા. એક જણ વાંચીને બીજાને આપે. ગામમાં તમારી કેટલી ધાક છે તેના આધારે તમારો વારો આવે. તમને આ બધું એટલે કહું છું કે તમે મારા ઉપર ચોરીનો આક્ષેપ ન લગાવો. છાપાને આ રીતે વાંચવું એ તો પ્રથા છે. હું ગાડી સુધી પહોંચ્યો અને તેની ડેકી ખોલી, સમાન અંદર નાંખ્યો અને ધમ્મ અવાજ સાથે બંધ કરી.

‘પહેલી લીટીમાં શું છે?’

‘એક નમ્બર. ૧૫-૦૬,’ વિરાણી ડેશને પણ બોલી ગયો.

’૧૫-૦૬? તારીખની જેમ?’

‘હા.’

બહુ સરસ. મારા જીવનમાં કેટલીએ જૂન ૧૫ આવી અને ચાલી ગઈ. પણ આ ૧૫મી જૂન મને બરાબર યાદ છે. મેં ગાડીના બોનેટ પર એક હાથે છાપું પાથરી દીધું. આજનું છાપું. ૨૦મી ઓક્ટોબર ૨૦૧૭. જે જૂન ૧૫ની વાત ચાલતી હતી, એ વીસ વરસ જૂની હતી; ૧૯૯૭ની. તોફાન પહેલાંની શાંતિ.

‘ગળું દાબીને માર્યો છે તેને?’ મેં ખાતરી કરવા પૂછ્યું.

‘હા સાહેબ. તમને આના વિશે કંઈ ખબર છે?’ તોફાન! 

‘કદાચ,’ મેં કહ્યું. ‘ક્લાકમાં પહોંચું છું. ફોરેન્સીક્સને કામ કરવા દો પણ કંઈ લઇ જવા ન દેતા. અને કંઈપણ હલાવતા નહિ.’

‘જી,’ તેણે કહ્યું.

‘પ્રેસ પહોંચી ગઇ?’

‘ના, પણ તમારા પહેલાં તો આવી જ જશે.’

‘સંદેશા વિશે તેમને ખબર ન પડવા દેશો. ઠીક ત્યારે.’

‘ઠીક સર,’ વિરાણી થોડો અટક્યો, પછી પૂછ્યું, ‘તમે પૂજા માટે થોડા મોડા નથી પડ્યા?’

હું હસ્યો. માણસ સમજદાર અને શંકાશીલ હતો. મારી અટકને દેવીના ધામથી જોડી રહ્યો હતો. માતાનો મઢ અમારી ઇષ્ટદેવી, મા આશાપુરાની પ્રાર્થના માટે બાંધ્યો હતો. જાડેજાઓની કુળદેવી. અને બધાં ભગત નવરાત્રીમાં અહીંયાં આવે ને આવે જ. હું બેસતા વરસે આવ્યો હતો. ૨૧ દિ મોડો.

‘વિરાણી, હું તો ત્યારે જ આવું છું જયારે મા મારી પ્રાર્થના સાંભળી શકે.’

બીજી બાજુથી પણ હાસ્ય આવ્યું. મલકમાં નવરાત્રીમાં માડીને મળવા એટલાં ભગત આવે કે મંદિરમાં પ્રાર્થનાના ઘોંઘાટમાં બધું જ ખોવાઈ જાય.

‘ઠીક સાહેબ, આવો ત્યારે.’

આ સાથે મેં કૉલ બંધ કર્યો. ફરીથી મારી આજુબાજુ શાંતિ છવાઈ ગઇ. પણ મારા મનમાં નહિ. મારા મનમાં તો અત્યારે ઉત્તેજના હતી. આ કેસ વિશેની. ફરીથી જોખમી કામ કરવાની ઉત્તેજના. કોઈક ગુનેગાર જોડે બે - બે હાથ કરવાની. જે મારા માટે રમત, અને બીજા લોકો માટે તકલીફ. 

છાપું થોડું જોયું અને ફરી બારી પર મૂકી આવ્યો. ફરી ફોન કાઢીને નમ્બર લગાડ્યો. બે રીંગમાં સામેવાળાએ ઉપાડી લીધો. આનાથી પણ હું ટેવાયેલો હતો. હેડ કોન્સ્ટેબલ મૂળે, બહુ જ કામનો માણસ હતો. હંમેશા તૈયાર, હંમેશા તત્પર. જયારે પણ મને મહેનતું અને સમજદાર માણસ જોઈએ ત્યારે તેને યાદ કરું. મેં તેની પાસેથી બે વસ્તુઓ માંગી. પહેલાં તો ‘ઠગી કેસ’ની બે કોપી નારાયણ સરોવર પોલીસમથકે કલાકની અંદર મોકલવાનું કહ્યું. બીજું મેં તેને એ કેસમાં કતલ કરવામાં આવેલા ૧૩ લોકોના સંબંધીઓને શોધી કાઢવાનું કહ્યું. મૂળેને કહ્યું કે એ રૂબરૂ તેમને મળે અને પછી મને કહે. મારે ખાતરી કરવી હતી કે એ બધાં છેલ્લાં બે દિવસમાં ક્યાં ક્યાં હતાં. મેં ફોન મૂક્યો. મૂળેને આપો તો સમજો કે કામ થઇ જશે. 

હું ગાડીમાં બેઠો, એન્જીન ચાલુ કર્યું, કાચ નીચે કર્યો અને નીકળી પડ્યો. ખુલ્લી બારીમાંથી પવન સુસવાટા મારતો હતો. બંને બાજુ મરુ અને ઉપેક્ષિત ધરા. કાતિલની લાગણીવિહીન બુદ્ધિની જેમ ધરા પણ સુક્કી હતી. 

ચાલો કંઈ નહિ, નવા વર્ષમાં કંઈક નવું તો મળ્યું. જૂના વેશમાં નવું. મગજમાં બાની વાર્તા યાદ આવી.

દરરોજ રાત્રે બાના ખોળામાં માથું મૂકીને આ વાર્તા સંભાળતો. તે વગર સુતો નહિ. આ ખાધું પીધું અને રાજ કર્યુંવાળી વાર્તા નોહતી, આ તો કરુણ અંતવાળી હતી. વાર્તા હતી એક શક્તિશાળી, વિવેકી, સમૃદ્ધ, સદાચારી રાજા વિક્રમની. બાએ મારું નામ એના નામ પરથી રાખ્યું હતું. કોણ જાણે કેમ?

વિક્રમ હંમેશા પ્રજાના હિત માટે કામ કરતો હતો. દુષ્ટ અને વ્યભિચારીઓથી પ્રજાની રક્ષા કરતો. પ્રજા વિક્રમને હૈયે રાખતી. પછી આવ્યો બીજો રાજા, ચંડાળ. મજબૂત અને તાકાતવર. પણ ચંડાળ હતો રાક્ષસ. પાપી. દુરાચારી. નરાધમ. એ ક્યારેય કોઈ લડાઈ હાર્યો નોહ્તો. વિક્રમના રાજ્ય પર ચઢી આવ્યો અને વિક્રમે તેનો પોકાર ઝેલ્યો. એવું યુદ્ધ થયું બંને વચ્ચે કે તેની વાર્તાઓ હજી ચાલે છે. પણ છેવટે વિક્રમ જીત્યો. સદાચારી હોવાના લીધે તેણે ચંડાળને જવા દીધો.

વર્ષો વીતી ગયા. લોકો ચંડાળને ભૂલી ગયા. વિક્રમ પ્રજાની મદદે લડતો રહ્યો અને જીતતો રહ્યો. પાપ અને દુષ્ટતા કોલસા જેવી છે. તેની વચ્ચે વધારે રહો તો થોડાં તો કાળા થાવ જ. વિક્રમ અહંકારી બની ગયો. તેના વાળ ધોળા થયા અને સમજ ઓછી. બીજી બાજુ ચંડાળ વનમાં ગયો અને ઘોર તપસ્યા કરી. પ્રભુ પ્રસન્ન થયા અને વરદાન આપ્યું. ચંડાળે કંઈક આવું માગ્યું.

‘જ્યાં સુધી માણસમાં અહંકાર રહે, ત્યાં સુધી હું જુવાન રહું.’

તથાસ્તુ કહીને પ્રભુ ચાલ્યા, 

ચંડાળ ફરી જુવાન અને શક્તિશાળી બની ગયો અને ફરી વિક્રમને યુદ્ધ માટે આહ્વાહન આપ્યું. ફરી બે યોદ્ધા સામસામે આવ્યા; જુવાન ચંડાળ અને ઘરડો વિક્રમ. ચંડાળ તો એવો જ હતો પણ વિક્રમ બદલાઈ ગયો હતો. અહંકારે તેને અશક્ત બનાવ્યો હતો. જોત જોતામાં વિક્રમ હારી ગયો અને ભોંય ભેગો થયો. 

ચંડાળ હુંકારા સાથે વિક્રમ ઉપર ચડી બેઠો અને પોતાની તલવાર ઉગામી. વિક્રમના મોં ઉપર આશ્ચર્ય જોઇને ચંડાળ હસ્યો.

‘જ્યાં સુધી તારા જેવામાં અહંકાર રહેશે, તું મને નહિ હરાવી શકે. હું ત્યાં સુધી જુવાન રહીશ.’

વિક્રમને કંઈ સમજાય એ પહેલાં ચંડાળની તલવાર નીચે આવી અને વિક્રમ ઉપર ગયો. કોઈએ ખાધું પીધું અને રાજ કર્યું નહિ.

શું મારા કર્મ મારી સામે હિસાબ માંગવા પહોંચી ગયા છે? કે પછી આ તે બીજો મોકો છે જે કોઈને નથી મળતો?

૧૫મી જૂનની એ ઘટના નાની હતી. એવી ઘટના, જેને કોઈપણ ઘડાયેલો પત્રકાર અડે નહિ. એ તો નાના અમથા નવા પત્રકારો હોસ્પિટલ કે પોલીસ થાણામાં જઇને પણ વિગત મેળવી શકે છે. એવી એ નજીવી ઘટનાને સમાચારપત્રમાં એટલી જ નજીવી જગ્યા મળી. મોટી ગણાતી ઘટનાઓની વચ્ચે વધેલી જગ્યામાં. સંપાદકે સ્વપ્નમાં પણ નહિ વિચાર્યું હોય કે એ ઘટના ઘણા પત્રકારોને પત્રકારિતાના ‘હૉલ ઓફ ફેમ’ સુધી લઇ જશે.

*** 

   

દૈનિક ગુજરાત

   

અજાણી ઘાયલ વ્યક્તિ મળી આવેલ છે

વડોદરા:જૂન ૧૫, ‘૯૭

સવારના પ્રથમ પ્રહરમાં તરસાલી રોડ પર એક અજાણ માણસ ઘાયલ અવસ્થામાં મળી આવેલ છે. સ્થાનિક લોકોએ એ માણસને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે માણસ આશરે ૪૫-૫૦ વર્ષનો છે. સ્થાનિક લોકોએ જયારે તેને જોયો, ત્યારે તે બેભાન હાલતમાં હતો અને અત્યારે આઈ.સી.યુમાં છે. પત્રકારોને કહેવામાં આવ્યું છે કે તે માણસ ઉપર કોઈએ જીવલેણ હુમલો કર્યો હોય એવું લાગે છે. તેના પેટમાં ચપ્પુનો ઘા અને ગળા પર દબાવાના નિશાન છે. 

પોલીસ હજુ તેને ઓળખી કાઢવામાં નિષ્ફળ નીવડી છે. તેની પાસેથી કોઈપણ ઓળખપત્ર નથી મળી આવ્યા કે નથી તેના શરીર ઉપર કોઈ વીંટી-ચેન કે નિશાની. પી.આઈ વિક્રમ જાડેજા, SHO મકરપુરા ઘટનાની તપાસ કરી રહ્યા છે.

   

***

આજે પણ એ દિવસની જેમ જ હતું. પણ આજે ૨૦૧૭ની સાલ હતી, ૧૯૯૭ની નહિ. નવો દિવસ, નવું વરસ, નવી દુનિયા. 

આપણો દેશ મોટાભાગે અહિંસાવાદી છે, હજારો વર્ષોથી. જયારે વિશ્વ, ધર્મને ખાતર યુદ્ધે ચઢ્યું હતું, ત્યારે ભારતમાં કેટલાય પંથ, ધર્મ અને સમુદાય શાંતિથી સાથે રહેતાં હતાં. પણ ક્યારેક ક્યારેક આમાં પણ અપવાદરૂપે અમને આવા કેસ મળે. જે અણધાર્યે શરૂ થાય અને પછી આંખે અંધારા આવે એવી હાલત કરી દે. 

સંજોગો ઉપર અમે પોલીસકર્મીઓને ભરોસો નથી, પણ નસીબ પર બહુ વિશ્વાસ રાખીએ છીએ. અમે જાણીએ છીએ કે કેટલાક કેસોનો ઉકેલ નસીબના લીધે નીક્ળે છે. તમને સલાહ આપું છું કે આ વાત જાહેરમાં ન કરતા. નહિતર મારો કોઈ સહકર્મી તમારા નાકનો નકશો બદલી નાખશે. મને તમારા નાક માટે ખેદ થશે પણ એથી વધુ કંઇ નહિ.

આ કેસને ‘ઠગ કેસ’ નામ અપાયું કાતિલના કતલ કરવાના અંદાજ ઉપરથી. હત્યારો લોકોને ફોસલાવીને ૧૮મી સદીના ઠગોની જેમ ગળું દાબીને મારતો હતો. એમ તો હું કોઈ વાત કે કેસ ભૂલતો નથી, અને આ કેસ ભૂલવાનો તો સવાલ જ ઉભો થતો નથી. વીસ વરસ જૂનો હતો પણ મારા મગજમાં ગઈકાલ જેટલો સાફ. કેમકે આવો અસામાન્ય કેસ મેં ક્યારેય નોહ્તો જોયો. 

તે દિવસે પણ મને ફોન આવ્યો હતો આજની જેમ, કન્ટ્રોલ રૂમથી. તફાવત એટલો જ કે આજે હું લાશ જોવા જઈ રહ્યો છું અને તે દિવસે એક બેભાન વ્યક્તિને જોવા ગયો હતો. 

મારા વિચાર ચાલતા રહ્યા અને વિરાણીનો ફરી કૉલ આવ્યો. એ પૂછવા કે હું કેટલો દૂર હતો. મગજ છેલ્લા માઇલસ્ટોન પર ગયું. હમણાં જ જોયું હતું. ઉપરથી લીલું, જેમાં ૦૬ લખ્યું હતું અને નીચેથી સફેદ, જેમાં લખપત ૦૫ કિ.મી. લખ્યું હતું. મેં વિરાણીને કહ્યું કે પાંચ મિનિટમાં પહોંચું છું. કૉલ પતે તે પહેલાં તો લખપત દેખાઈ ગયું, 

પાંચ મિનિટ પણ ન લાગી.

જેમ જેમ ગાડી પાસે પહોંચી કોટની ભવ્યતા દેખાઈ. તેના મહત્વની પણ જાણ થઇ. 

રાજાઓના સમયમાં કિલ્લેદારને જમાદાર કહેતા હતા. લખપતના જમાદાર હતા જમાદાર ફતેહ મોહમ્મદ. ઠગ કેસના કાતિલને પણ પ્રેસે ‘જમાદાર’ નામ આપ્યું હતું. ઠગ ટોળીના મુખીને પણ જમાદાર કહેતા હતા. પોલીસ માટે જમાદાર ક્યારેય ન જામ્યું કેમ કે પોલીસવાળાને પણ જમાદાર કહેવાય. તેથી અમારા માટે આ કેસ ‘ઠગ કેસ’ બની ગયો.

કિલ્લાનું મુખ્ય દ્વાર નોહ્તું તેથી એવું દેખાતું હતું કે કિલ્લાની દીવાલ તૂટેલી હોય. સડક સાંકડી થઈને બે બુરજની વચ્ચેથી કિલ્લામાં જતી હતી. મોટા અને ભવ્ય બુરજ. મને વિચાર આવ્યો કે આવા મજબૂત બુરજ એવા કિલ્લા માટે જેણે ક્યારેય કોઈ હુમલો નથી ઝીલ્યો!. કોણ જાણે, બહુ જૂનો કોટ હતો, સિંધ બાજુથી કેટલાય હુમલા કચ્છ ઉપર જોયા હશે કે ઝીલ્યા હશે. 

ઈતિહાસ વિજેતાઓની જાગીર હતી, શી ખબર કોણે કેટલું સંતાડ્યું અને કેટલું દર્શાવ્યું. ઈતિહાસ, ખાસ કરીને એવો ઈતિહાસ જે એક મહાન દેશને એકીકૃત કરી દે, તે હંમેશા અસ્પષ્ટ રાખવામાં આવ્યો હતો. 

દરબાર ગયા ને દરવાન ગયા, જમાદાર પણ ગયા. રહી ગઈ તો ફક્ત દીવાલ. મજબુત, મોટી, પણ ભાંગેલી, તૂટેલી દીવાલ. એક જીપ ઉભી હતી પોલીસની. મેં ગાડી ધીમે કરી અને જીપની સાથે ઉભી રાખી. અંદર એક કોન્સ્ટેબલ હતો. મને જોઇને તુરંત બહાર આવ્યો અને મને સલામ ઠોકી.

‘જાડેજા સાહેબ?’ 

‘હું..’ મેં કહ્યું.

‘વિરાણી સાહેબે મને મોકલ્યો છે. આપ મારી પાછળ આવો.’

તે ફરી જીપમાં બેઠો અને જીપ ફેરવીને કોટમાં પેઠો. મેં પીછો કર્યો. સુમસામ જગ્યા હતી. એક સમય હતો જયારે રાજ ખજાનો અને કોઠાર બંને લખપતના લીધે છલકાતાં. વેપારના લીધે અને ચોખાની ખેતીના લીધે. કિલ્લો પહેલાં નાનો હતો, ફતેહ મોહમ્મદે રા’ રાયધણની ધજા હેઠળ ૧૭મી સદીમાં તેનું વિસ્તરણ કર્યું. હું વેરાન જગ્યા જોતો જોતો જીપની પાછળ થયો.

કાળચક્ર છે. સારું કે ખરાબ, કંઈપણ હંમેશ માટે નથી હોતું. લખપતનો સુવર્ણકાળ ૧૮૧૯માં પૂરો થયો, જયારે ધરતીમાને લખપતના નકશામાં થોડા ફેરફાર કરવાની ઈચ્છા થઇ. 

ભૂકંપના આંચકા એવા તેજ હતા કે સિંધુ નદીનો પ્રવાહ ૨૪૦ કિ.મી. ઉત્તરમાં ખસી ગયો આજના પાકિસ્તાનમાં. લખપત સુકાઈ ગયું અને તેની સાથે સાથે વેપાર અને કૃષિ પણ. ઉમેદ બાકી રહી, બીજું બધું ગયું. હવામાં ઉડતા પાંદડાની જેમ ઉમેદ ઉડી તો ખરી પણ તે ક્યાં જઇને પડશે તેની કોઈને ખબર નહોતી. લખપતની ઉમેદ અને મારી ઉમેદ બંને વેરાઈ ગઈ.

***

   

દૈનિક ગુજરાત

   

અજાણી વ્યક્તિ હજી કોમામાં

વડોદરા:જૂન ૧૭, ‘૯૭

આધેડ વયનો શખ્શ, જે હુમલા પછી બેભાન અવસ્થામાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, તેની હાલત હજુ નાજુક છે. તેની સ્થિતિ બગડી ગઈ છે અને એ કોમામાં જતો રહ્યો છે. અમારા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેનો કોઈ સગો કે કોઈપણ ઓળખ કરનાર હાજર નથી થયો. પોલીસ પણ અંધારામાં ફાંફા મારે છે. પી.આઈ જાડેજા કોઇ પ્રકારની કોમેંટ માટે નથી મળ્યા. તે શખ્શ ૧૫મી જૂને ઘાયલ હાલતમાં તરસાલી રોડ પર મળી આવ્યો હતો.

   

***

ધીમે ધીમે નજરની સામે ઉમેદનું પાંદડું હવામાં ઉડી ગયું અને હોલવાઈ ગઇ ઉમેદ. લખપત વેરાન થઇ ગયું. 

કાચી સડક અને દીવાલ રહી ગયા. અને રહી ગયા ખીજડાના ઝાડ. એક સમયે જે જગ્યાએ દસ હજાર લોકો રહેતાં હતાં, ત્યાં રહી ગયાં ફક્ત ૪૦૦ ઘર. પોલીસ જીપ રોડથી ઉતારીને માટીમાં ગઈ અને હું તેની પાછળ પાછળ. જીપ ખાડી તરફની કોટની દીવાલ તરફ વળી. દીવાલની બીજી બાજુ કોરીની ખાડી અને પાકિસ્તાન. દીવાલની સાથે સાથે થોરની ચાદર હતી. જીપ એક બુરજના પગથિયા સુધી પહોંચીને રોકાઇ ગઈ, એક એમ્બ્યુલેન્સ પાસે. મેં ગાડી ઉભી રાખી અને નીચે ઉતર્યો. કોન્સ્ટેબલ પગથિયા ચઢવા લાગ્યો પણ હું તેની આગળ દોડી ગયો. 

મને કેમેરાના શટરનો અવાજ સંભળાઈ ગયો હતો, અને લોકોની વાતચીતનો પણ. પોલીસ અને પ્રેસના માણસો કામ પર હતાં. ગોળ હોય તો માખી તો હોય જ ને. બુરજ પર પહોંચીને મેં ખાડી તરફ નજર નાખી. કાળી ભેજવાળી માટી. રણની જેમ. ભૂકંપે નદીને તેનો પ્રવાહ બદલવા લાચાર કરી નાંખી અને લખપત કરમાઈ ગયું. પાણી અને હવા; જીવનના બે મૂળભૂત તત્વ. પાણી વગર બંદર સુકાઈ ગયું હતું અને નીચે માટીમાં પડેલો માણસ હવાના અભાવમાં મરણ પામ્યો હતો. ગળું દબાતા કેવી ગુંગાળામણ અનુભવી હશે તેણે? ધીમે ધીમે અંત નજીક આવતો અનુભવી રહ્યો હશે અને જયારે છેલ્લી ઉમેદ મરે, ત્યારે માણસનું મરણ થાય. મારી ઉમેદ પણ પેલા અજાણ વ્યક્તિની સાથે જતી રહી.

***

   

દૈનિક ગુજરાત

   

અજાણ વ્યક્તિનું મૃત્યુ થયું

વડોદરા:જૂન ૧૮, ‘૯૭

ત્રણ દિવસ પોતાના ઘા જોડે લડીને છેલ્લે અજાણ વ્યક્તિ ગઈકાલે મોડી રાત્રે લડાઈ હારી ગયો. સ્થાનિક લોકોને એ ઘવાયેલી અને બેભાન હાલતમાં તરસાલીમાં ૧૫મીની સવારે મળી આવ્યો હતો. એ જ લોકોના લીધે તે અત્યાર સુધી જીવતો હતો. જો લોકો તેને સત્વરે હોસ્પિટલ ન લાવ્યા હોત તો તેનું મરણ રોડ પર નક્કી જ હતું.

પોલીસે પહેલાં તો હુમલાના ગુનાની રીતે તપાસ કરી હતી પણ હવે અજાણ્યા વ્યક્તિઓ સામે કત્લનો ગુનો દાખલ કર્યો છે. કેસ પી.આઈ વિક્રમ જાડેજા, SHO મકરપુરાના હાથમાં છે. પોલીસે શહેરમાં દરેક જગ્યાએ તે શખ્શના ફોટા મોક્લ્યા છે પણ હજુ તેની ઓળખ થઇ નથી. રાજ્યભરની પોલીસ પણ માણસનું ઠેકાણું અને ઓળખાણ કાઢવામાં વિફળ નીવડી છે. મરણ પામેલ માણસ, મળ્યો ત્યારથી લઈને મરી ગયો ત્યાં સુધી બેભાન અવસ્થામાં હતો. એટલે જ પોલીસને તેના તરફથી કોઈ બયાન મળ્યું નથી. શહેરમાં ઘણા ગુનાઓની તપાસ હાલમાં ચાલુ છે જેમાં પોલીસતંત્ર સક્રિય છે, અને અહીંયાં તો ફરિયાદી બયાન વિના જતો રહ્યો છે. તો એવું લાગે છે કે આ કેસમાં કંઈ વધારે કરવામાં નહિ આવે. તો પણ પોલીસે સામાન્ય નાગરિકોને આ કેસની કોઈપણ જાતની માહિતી મળે તો રજૂ કરવા વિનંતી કરી છે.

  

***

  

બે

મેં કિલ્લાની દીવાલ પર ફરી નજર નાંખી. સમયની સાથે-સાથે તેના સાંધા નબળા થઇ ગયા હતા, અને ત્યાંના પથ્થરો છુટા થઈને બહાર ઢળી ગયા હતા. ઢળેલા પથ્થરોથી બનેલા પગથીયા! પથ્થરો ના આધારે નીચે ખાડીમાં ઉતરવું પડશે. જ્યાં લાશ પડી હતી અને જેના ઉપર મારા માટે સંદેશો હતો. પોલીસ અને પ્રેસ પણ ત્યાં જ નીચે હતી.

‘સાહેબ, હું પહેલાં ઉતરું છું. તમે મારી પાછળ આવો. સાચવજો.’

એ સાવચેતીથી પથ્થરો ઉપર પગ મૂકીને નીચે ઉતરવા માંડ્યો. મેં ફરી નીચેનું દ્રશ્ય જોયું. પહેલાં ઘણીવાર આવું જોયું હતું. ભીડ, જેમ ગીધ માંસની ઉપર ગોળ ગોળ ભમે તે રીતે માણસો ઉભા હતા. માણસ અને ગીધમાં વધારે ફરક નથી, બસ એટલું જ કે માંસ ગીધની જરૂરીયાત હતી, માણસની નહિ. માણસને કૃષિનો ટેકો હતો. પણ થોડાક માણસ, એ પણ એકદમ ગીધ જેવા હોય. માંસ એમના માટે પણ જરૂરી હોય. એમ જોવા જઈએ તો દરેક માણસની અંદર એક ગીધ હોય છે, જે આપણને ખરાબ પ્રવૃતિ કરવા પ્રેરે છે.

મેં ફીલસૂફી બાજુમાં મૂકી. નીચે ઉતારવાનો રસ્તો કાઠો હતો. ફીલસૂફી મન માટે તો સારી પણ તૂટેલાં હાડકાં ન સાંધી આપે. હું નીચે પહોંચ્યો કે ટોળું થોડું વિખરાવા લાગ્યું. તેમાંથી બહાર નીકળ્યો એસ. આઈ. વિરાણી. એ મારી તરફ આવ્યો અને મને સલામ ભરી. મેં જવાબ આપ્યો. મારા પ્રમાણમાં નાનો સરખો માણસ, ઉમરમાં ત્રીસથી થોડો નીચે હશે. શરીરથી પાતળો હતો પણ ખડતલ.

તેણે મારી સામે ઊંચું જોયું અને બોલ્યો, ‘સર, લખપત માટે આ નવું છે. ટોળું ભેગું થઇ ગયું છે. પ્રેસ પણ.’

મેં સાંભળ્યું અને અમે બંને આગળ વધ્યા લાશ તરફ. ટોળું હજી હતું. વિરાણીએ ચપટી વગાડી અને ચાર પોલીસવાળા ભીડને હટાવવા લાગ્યા. ભીડ હટી કે તરત લાશ દેખાઈ. જમીન પર પડેલી, આંખો બંધ, મોઢું ખુલ્લું. ભીમકાય માણસ, ૬ ફૂટથી ઉંચો, વિશાળ છાતી, હાથ અને પગ. આશરે ૪૫ વરસનો. બુશર્ટ અને પેન્ટ, પગમાં બુટ, બુશર્ટના બટન બંધ. મેં વિરાણી તરફ એક આંખ ઉંચી કરીને જોયું.

એ ધીમેથી બોલ્યો, ‘મેં બંધ કર્યા બટન. પ્રેસ આવી તેના પહેલાં. આપણા માણસોને પણ નથી જોવા દીધું.’

હું હસ્યો. ગામનો હતો, પણ માણસ કામનો હતો. તેને ખબર હતી કે મોટા ભાગના કેસોમાં પ્રેસને કે અન્ય કોઈ માણસને જાણકારી અંદરના જાણભેદુઓ જ આપતા હોય છે. મેં તેનો ખભો થપથપાવ્યો. મારી નજર ફરી મડદા પર વળી. તેના ગળા પર. કૉલર બટન ખુલ્લું હતુ. જાંબલી સોળ દેખાઈ રહ્યાં હતાં. મૃત્યુનું કારણ, ગળા ઉપર દબાવના લીધે નસો ફાટી જાય અને લોહી જામી જાય. હું નીચો નમ્યો, લાશનો ઠંડો હાથ પકડ્યો અને જરાક હલાવ્યો. કંઈ ન હલ્યું. મડદું કડક થઇ ગયું હતું. જીવ ગયે બારેક કલાક થયા હશે.

શરીરની આજુબાજુ માટી એવી ને એવી જ હતી. જરા ય હાલી નહોતી. ભીમકાય માણસને ગળું દાબીને મારો અને તે પોતાનું રક્ષણ પણ ન કરે, આવું કેવી રીતે બને?

હું ફરી ઉભો થયો. મેં ટોળાને જોયું. ગીધ! હવે બે ચાર દી ગામમાં બીજી કોઈ વાત નહિ થાય. દરેક માઢમાં અને દરેક ઘરમાં. ગામડું નાનું હોય, એક મોટા કુટુંબની જેમ. ગામમાં કોઈનાથી કંઈ છાનું ના રહે. બધાને બધીય ખબર હોય. TV તો ઘરે ઘરે પહોંચી ગયું છે પણ ગામમાં હજીય TV ઉપર સાસુ-વહુના કાર્યક્રમો જોવા કરતાં બાજુવાળાની પંચાત કરવી, એ લોકોને વધારે પ્રિય છે. 

કચ્છી પહેરવેશમાં ગામના લોકો અને પ્રેસવાળા ઉભા હતા. પણ એમનામાંથી કોઈપણ લાશને નહોતું જોતું અત્યારે. બધાની નજર થોડીક દૂર ઉભી રહેલી સ્ત્રી પર હતી. હાથમાં કેમેરો, ગળામાં પ્રેસનું ઓળખપત્ર, અને ખભે લટકતી ચામડાની લાંબા હેન્ડલવાળી મોંઘી બેગ. એ કામમાં ગૂંથાયેલી હતી. કંઈક તો વાત હતી તેનામાં કે બધા તેને જ જોતા હતા. 

તેના જેવી રૂપાળી સ્ત્રી આજ સુધી નહોતી જોઈ મેં. મારી નજરો તેના ઉપર સ્થિર થઇ ગઇ. આવી રીતે કોઈ માણસે કોઈ છોકરીને જોઈ હોત તો મેં તેની ધરપકડ કરી હોત. સફેદ કૉલર વાળુ ટી-શર્ટ, હળવી વાદળી જીન્સ, પગમાં મોજડી. ૫’૫” કે ૬” નું ક્દ, નાનું, ગોળ મોં, એક ચોટલીમાં બાંધેલા કાળા વાળ, રણની માટી જેવી, તડકામાં થોડીક શેકાયેલી સુંવાળી ચામડી, ભરાવદાર કાયા. નમણી એવી કે તેની તો કોણીના વળાંક પણ નમણા હતા. નવયુવાનીના કાંગરે ઉભી કોમળ કાયા. 

પછી મને તેની ઉમરનું ભાન થયું. મારા ૫૪ને ઉંધો કરીને એમાંથી ૧૫-૨૦ કાઢી લઉં તો પણ તેની સરખામણી નહિ કરી શકું. એ તો છોકરી હતી. મનને કાબૂમાં લાવ્યો અને ફરી જાગતી આંખના સ્વપ્ના મૂકીને કેસ તરફ ફર્યો. મારા અંદરના પોલીસવાળાએ ફરી કમાન સંભાળી લીધી. મેં વિરાણી તરફ જોયું. એ તો મને જ જોતો હતો, શી ખબર ક્યારનો.

‘બધાંને દૂર ખસેડો અહીંયાંથી, મારે સંદેશો જોવો છે.’

‘ઠીક ત્યારે,’ તેણે કહ્યું અને કામે લાગી ગયો. પણ તેના અવાજમાં અને મોઢા પર જે ભાવ હતા તે મને દેખાઈ ગયા. હું પણ હસ્યો.

લોકો હજુ એ છોકરીને ડોળા ફાડીને જોઈ રહ્યા હતા. છોકરી? લ્યો કરી લ્યો વાત. ઉમર ખબર પડી નહિ કે ભાનમાં આવી ગયા જાડેજા સાહેબ! એ કામમાં વ્યસ્ત હતી. લાશની સામે પણ સ્વસ્થતાથી કામ કરી રહી હતી. થોડા સમયમાં જગ્યા ખાલી થઇ ગઈ, બસ પોલીસવાળા રહ્યા. હું એક પગે બેઠો અને લાશના શર્ટના બટન છુટ્ટા કર્યા. વિરાણી મારી બાજુમાં બેઠો. 

મને નહોતી ખબર મારે શું શોધવું હતું, પણ માણસની વિશાળ સ્નાયુદાર છાતી જોઇને મારું મગજ છ્કક થઇ ગયું. સ્નાયુ, જે કલાકો કલાક કસરત કરીને વિકસિત થાય. ખાલી મોટો જ નહિ, આ માણસ શક્તિશાળી હતો. મને મારા પૌરુષ અને બળ પર ગર્વ હતો. મારા સ્નાયુ હજી ભલભલાને ભોંય ભેગા કરે એવા હતા. આને પણ. પણ આના તો રામ પહેલાંથી જ રમી ગયા હતા. આ પણ મારાથી જુવાન હતો. દસેક વરસ જુવાન.

આજે બધા મારા કરતાં જુવાન લાગે છે.

લાશની છાતી પર લખેલો સંદેશો મને ખબર હતી, પણ મેં ફરી જોયું.

૧૫-૦૬

વિક્રમ જાડેજા, ઇન્સ્પેકટર, ૯૧૨૩૪૯૩૪૧૩, આપણા કર્મો આપણને બોલાવે.

તારી મા આશાપુરા, મારી કાળી, બધાંના માતા શક્તિ જ.

તેની બધી તાકાત તો નકામી નીવડી.

અક્ષર ઝીણા હતા પણ સહેલાઇથી દેખાતા હતા. કાળા કાયમી માર્કરથી લખેલા હતા. હું ઉભો થયો.

‘ઓળખ?’ મેં પૂછ્યું

‘નથી. ખીસા ખાલી છે, ફોન પણ નથી મળ્યો.’ વિરાણીએ કહ્યું.

‘આંગળીના નિશાન?’

‘તેના જ છે, બીજા કોઈના નથી મળ્યા. જેણે પણ કર્યું, કામ સાવધાનીથી કર્યું છે.’

‘પાસે કોઈ રહેવાની જગ્યા છે?’

‘લખપતમાં તો નથી. ખાલી એક ગુરુદ્વારા છે, ત્યાં લોકો રહે છે. મેં પૂછપરછ કરી. આ ત્યાં નહતો રહેતો.’

‘પોસ્ટ-મોર્ટમ ભુજમાં થશે?’

‘હાં જી સાહેબ. અહીંયાં તો ખાલી પ્રાથમિક ચિકિત્સા કેન્દ્ર છે.’

‘ઠીક, લઇ જાઓ આને.’

કોન્સ્ટેબલ અને બીજા કર્મીઓ કામે લાગી ગયા. એકે મડદાના હાથ ઝાલ્યા અને બીજાએ પગ. ઉપાડવાનો પ્રયાસ કર્યો. પણ લાશ ઉંચકાઇ નહિ. 

બધા જ સાંધાઓ તૂટી ગયાં હતાં! 

કોણી, ઢીંચણ, અને નિતંબ. હાથ અને પગ તો ઉચકાયા પણ ધડ ત્યાં ને ત્યાં લટકી રહ્યું. લાગતું હતું કે શરીર ખાલી ચામડીના લીધે જોડાયેલું હતું, સાંધાના લીધે નહિ.

‘ધીમેથી નીચે મૂકો,’ મેં આદેશ આપ્યો. એ લોકોએ એમજ કર્યું.

વિરાણી અને હું ફરીથી લાશ પાસે બેઠા. 

વિરાણીએ લાશની બાંય ઉપર ચઢાવી અને મેં પેન્ટ લાશના ઢીંચણ સુધી ઉપર કર્યું. પછી અમે જોયું. ભાંગેલાં હાડકાંને ચામડી તો હતી પણ નીચે સાંધાઓનો ભુક્કો કરી દેવાયો હતો. બહાર કોઇ નિશાન ન હતું. કોક મોટી લાકડી કે સળિયા વડે કરાયું હશે. કાપડમાં વીંટાયેલા સળિયા વડે. અમે બંને એક જ વાત વિચારી રહ્યા હતા. આ માર્યા પહેલાં કર્યું હશે કે પછી? પોસ્ટ-મોર્ટમમાં જ ખબર પડશે.

‘જાનવર સાલો,’ વિરાણીની આંખોમાંથી તણખા નીકળતા હતા. ‘આવી રીતે તો કોઈને મરાય?’

‘આ પણ એક સંદેશો છે,’ મેં એને કહ્યું અને પછી ઉભેલા કર્મીઓને, ‘લઇ જાઓ ભાઈ આને.’

હું ફરીથી બુરજ ઉપર ચઢી ગયો. વિરાણી પણ. પ્રેસવાળા હજી ત્યાં જ હતા બુરજ પર. એમના કેમેરામાં ફોટા પાડી રહ્યા હતા. એ છોકરી પણ ત્યાં હતી. તેણે મને જોયો અને મારી તરફ આવી.

‘સર, એક પ્રશ્ન છે.’

મેં વિરાણી સામું જોયું અને જવાબ આપ્યો, ‘આમનો કેસ છે, મને શું પૂછો છો?’

એટલું કહીને હું ગાડી તરફ ચાલ્યો. વિરાણી તેના કિલ્લામાં જ પ્રેસ દ્વારા ઘેરાઈ ગયો હતો. મારા મગજમાં તો સંદેશો ચાલી રહ્યો હતો.

મારું નામ અને નમ્બર ત્યાં કેવી રીતે પહોંચ્યા? મડદા ઉપર? કઈ રીતે ખબર પડી કે હું માતાના મઢમાં હતો? હશે. પોલીસવાળાનો નમ્બર મેળવવો એટલું મુશ્કેલ નથી. તેનો પીછો કરવો પણ મુશ્કેલ નથી. હું દર વર્ષે એકનું એક જ કરતો. દર બેસતા વર્ષે મઢે જતો. આ કઈ રમત માંડી હતી મારી સાથે? અને કોણે? એ પણ વીસ વરસ પછી?

‘સર, આ કેસ વિશે શું કહી શકો છો?’ વિરાણીએ મારા વિચારોમાં ભંગ પાડ્યો.

‘આ કેસ વિશે?, કંઈપણ નહિ. શું હું શંકાના ઘેરામાં નથી?’

‘ના સાહેબ. જયારે તમે આવી રહ્યા હતા, ત્યારે મેં થોડીક તપાસ કરી. પહેલા તમારા ફોન પરથી તમારું લોકેશન ચેક કર્યું. તમે જ્યાં કહ્યું ત્યાંજ હતા.’

મારા ગંભીર મોં પર સ્મિત ફર્ક્યું, પણ હજુ વિરાણીનું પત્યું ન હતું.

‘પછી મેં જૂના કેસ શોધ્યા અને ઠગ કેસની ખબર પડી. વડોદરામાં આશરે બે દાયકા પહેલાં થયેલા કતલ વિશે. તમે SITના અધિકારી હતા. ગૂગલ તપાસણીનું અભિન્ન અંગ થઇ ગયું છે.’

હવે હું ખડખડાટ હસ્યો. આ માણસ ગામનો હતો, પણ ખરેખર, કામનો હતો. સરળ, સાદી, સમજ! કાશ બધા પોલીસવાળા આની જેમ હોત તો. આવો માણસ ગામડાની પોલીસમાં શું કરી રહ્યો હતો, મેં વિચાર્યું? તેને જોઇને કોઇકની યાદ પણ આવી. તેના જેવો જ જુવાન, સમજદાર અને ઉજ્જવળ ભવિષ્યવાળો ઓફિસર. પણ મેં તેને ગુમાવી દીધો હતો.

‘બહુ સરસ,’ હું બોલ્યો. ‘પણ પ્રથમ તો કોઈને માતાના મઢ પર મોકલો. મારી ઉપર કોઈક તો નજર રાખી રહ્યું હશે.’

વિરાણી હસ્યો.

‘ક્યારનો ય મોકલ્યો બાપુ. તમને કૉલ કરતાની સાથે જ. થોડીવારમાં ખબર પડી જશે.’

જબરો હતો આ છોકરો! હવે મારા વિચાર ઠગ કેસ તરફ ગયા.

‘તેર લોકો આવી જ રીતે ગળું દાબીને મારી નાંખવામાં આવ્યા હતા વડોદરામાં. ૧૯૯૭માં.’ મેં કહ્યું.

‘અને?’

‘શહેરમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. અમે ગુનેગારને પકડવા ઘણી ધમાલ કરી. છેવટે એ માણસ અમારી નજરે ચઢ્યો. પણ પોલીસ મોડી પડી. તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. એક કાગળમાં બધું કબૂલ કરી ગયો હતો. તેના પછી વડોદરા ફરી શાંત થઇ ગયું.’

‘તમને કઈ રીતે ખાતરી છે કે તે જ આપનો માણસ હતો?’

‘નોંધ મૂકીને ગયો, અને તેના પછી એક પણ કતલ નહિ. આટલું ઘણું નથી?’

વિરાણી ફરી હસ્યો, ‘મારે પહેલાંથી કોઈ ધારણા નથી કરવી.’

‘ઠીક. પણ આજની વાત જુદી છે. ગળું દાબવાની સાથે સાથે તેનું કચુંબર પણ કર્યું છે કાતિલે, અને જો ઠગ કેસવાળો જ હોય તો વીસ વરસ કેમ રોકાયો?’

વિરાણીએ ડોકું હલાવ્યું.

‘વાત તો સાચી છે. પણ તમારા માટે સંદેશો કેમ મૂકી ગયો? એવું પણ નથી કે તમે ઠગને હાથોહાથ પકડ્યો હતો.’ વિરાણી મારી સામું ધ્યાનથી જોઈ રહ્યો હતો, મારી પ્રતિક્રિયા માટે. મારી આંખોમાં ખાલી નિખાલસતા હતી હતી. મેં ખભા ઝાટક્યા.

‘ખબર નહિ વિરાણી,’ મેં કહ્યું.

‘ઠીક.’ એણે કહ્યું.

‘રાત રોકાવા માટે કોઈ હોટેલ છે?’ 

‘નારાયણ સરોવરમાં છે. રાજ્ય પર્યટનની હોટેલ. હું ત્યાં જ જાઉં છું, મારી પાછળ આવો.’

‘એમ કરો વિરાણી, મારી ગાડીમાં ચાલો. આપણે સાથે જઈશું અને વાત પણ થઇ જશે.’

વિરાણી ગાડીમાં બેઠો અને પોલીસ જીપમાં બેઠેલા કોન્સ્ટેબલને આંગળીથી ઈશારો કરીને પાછળ આવવા કહ્યું.

‘તમને શું લાગે છે?’ ગાડી ચાલી અને વિરાણીએ પૂછ્યું.

મેં વિચાર કર્યો. મને શું લાગે છે? થોડીવાર રહીને મેં જવાબ આપ્યો.

‘રાક્ષસી માણસ હતો. અને આજુબાજુમાં પાંદડું પણ નોહ્તું ફરક્યું. એવું કેમ બને?’

‘હું તેને એકલા હાથે ન મારી શક્યો હોત. હાથ પગ પર કોઈ ઘાવ પણ નથી. તેને કોઈએ પકડીને રાખ્યો હોય એવું નથી લાગતું.’

‘કદાચ બીજે ક્યાંક મારીને અહીંયાં લાવ્યા હોય?’

‘દસ મણના પથરાને કોણ ઉપાડે?’

‘સાચી વાત. પોસ્ટ-મોર્ટમની રાહ જોવી પડશે.’

‘જી, સર.’

વાતો ચાલતી રહી અને ગાડી પણ. નાની છેર નામનું ગામ ગયું. આ જગ્યા મને ખબર હતી. એક થર્મલ પાવર પ્લાન્ટ હતો અહીંયાં.

‘સર, મારે ઠગ કેસની ફાઇલ જોઈશે,’ વિરાણીએ કહ્યું.

‘મંગાવી લીધી છે. તમારા થાણામાં પહોંચી ગઈ હશે.’

‘અભાર.’

‘વાંધો નહિ.’

માર્ગ ખાલી હતો. ક્યારેક ક્યારેક એકાદ ગાડી દેખાઈ આવતી. અચાનક સામે ઘેટાં-બકરાંનું ટોળું આવી ગયું, મારે રોકાવું પડ્યું. ઓછામાં ઓછાં સો હશે. કઈ રીતે રહેતાં હશે આવા શુષ્ક દેશમાં? મેં વિચાર્યું. વિરાણી પણ વિચારમાં હતો પણ કેસને લઈને.

‘ખૂની તમને અહીંયાં કેમ બોલાવવા માંગતો હશે? અત્યારે કેમ? તમને કેમ?’

ઘેટાં-બકરાંનું ટોળું નીકળી ગયું અને અમે ફરીથી ઉપડ્યા.

‘વ્યાજબી પ્રશ્ન છે, અને મારી પાસે કોઈ જવાબ નથી. ઠગ કેસમાં તેર લોકો મર્યા પછી મને કંઈક જડ્યું. જોવા જઈએ તો એ તેરનો હું ગુનેગાર છું. ફરી મને શા માટે બોલાવે? બીજી તક આપવા માટે? ખબર નહિ વિરાણી.’

થોડીવાર મેં ગાડી ઉપર ધ્યાન આપ્યું, પછી વિચાર કરીને જવાબ આપતા ફરી બોલ્યો.

‘અહીંયાં કેમ? કેમ કે આ કિલ્લો એક જમાદારનો હતો. ઠગને પણ લોકો જમાદારના નામે ઓળખતા. આ જે પણ છે, મારી સાથે રમત રમી રહ્યો છે.’

‘બની શકે. પણ અત્યારે કેમ?’ વિરાણીએ પૂછ્યું.

‘એ જ મુદ્દાની વાત છે. હું કોઈ મનોચિકિત્સક નથી, પણ ગાંડપણ એટલી હદે પહોંચતાં વાર તો લાગતી હશે. કલ્પી ન શકાય તેવી ક્રુરતા. પહેલા તો એ એક નાના વિચારથી શરૂ થાય, અને પછી તમારા મનને એવું પકડે કે તમને એ ક્રુરતા કર્યા વગર છૂટકો જ નથી. કે એવી કોઈ ઘટના બને જે તમને તે વિચાર અજમાવી જોવા પ્રેરે. જે હોય તે, પણ તેને જમાદાર વિશે ખબર હશે.’

‘જમાદારોના ચેલા પણ હતા મેં સાંભળ્યું છે,’ વિરાણી બોલ્યો. મેં તેની સામું જોયું અને ફરી નજર રોડ પર નાંખી.

વિરાણી ફરી બોલ્યો, ‘બની શકે તેનો કોઈ ચેલો તમારાથી વેર વાળતો હોય?’

‘હું?’ મને હસવું આવ્યું અને મેં ગામઠી લહેકામાં ઉમેર્યું. ‘મારી હારે ઇ મેચ રમવા આવ્યો છે કાં? અત્યાર સુધી શું હું મંજીરા વગાડતો હતો?’

‘ખબર નહિ.’

‘તો ચેલાને ભૂલી જાઓ. ચેલો હોય તો પણ વીસ વરસ! હું ઘરડો થઈને મરી જઉં તેની રાહ જોતો હતો કે શું?’ અમે બંને ખડખડાટ હસ્યા.

નારાયણ સરોવર આવી ગયું. હોટેલ પણ. મેં ગાડી પાર્ક કરી. વિરાણી ઉતરીને મારી આગળ ગયો. 

મેં મારી બેગ ઉપાડી, ગાડી બંધ કરી અને હોટેલમાં પેઠો. રીસેપ્શન પર ઉભો રહ્યો. વિરાણીએ ઔપચારિકતા પૂરી કરી નાંખી હતી. કાઉન્ટર પાછળ ઉભેલા માણસે મારી ચાવી આપી.

‘ચેક ઇન થઇ ગયું સર, એન્જોય યોર સ્ટે,’ એ બોલ્યો.

મેં તેને સ્માઈલ આપ્યું અને વિરાણીને પણ.

‘હજુ એક મદદ કરો વિરાણી,’ મેં કહ્યું.

‘શું જોઈએ બાપુ?’

‘તમારી પાસે ઠગ કેસની બે નકલ આવી હશે. એક મને મોકલાવી આપો.’

‘જે હુકમ. પણ મારી સાથે રોટલો ખાવ તો કરાવી આપું.’ એ હસતા બોલ્યો.

‘ઠીક ત્યારે.’ મેં નિમંત્રણ સ્વીકાર્યું. કલાકમાં રેસ્ટોરેન્ટમાં મળવાનું નક્કી કર્યું. વિરાણીને થોડું કામ હતું. અમે લોકો છૂટા પડ્યા.

***

ઠગ કેસ બંધ થયે ઠીક ઠીક સમય ચાલ્યો ગયો હતો, મેં રૂમમાં આવીને વિચાર કર્યો. તો પછી આજે આ કેમ થઇ રહ્યું હતું? આને કોણ કરતું હતું? મારા મગજનાં ચક્રો ફરવાં લગ્યાં. બે શક્યતાઓ હતી. એક તો એ કે કોઈક માણસે ઠગ કેસ વિશે વાંચ્યું અને તેની વિકૃતિ તેને મારી સામે લઇ આવી. આજકાલ ગાંધીયુગ ન હતો. લોકો તો કોઈથી પણ પ્રેરાઈ જાય છે, ઠગ જેવા દુષ્ટોથી પણ. હવે કોને કેવો રોલ મોડેલ પસંદ પડે, એ તો મારા હાથમાં ક્યાં હતું?

બીજી શક્યતા એ હતી કે કોઈક જણ ઠગ કેસ જ નહિ, પણ ૧૯૯૭ના કાતિલ ઠગનો ઓળખીતો મારી સાથે વેર વાળવા આવ્યો છે. વીસ વર્ષ પછી મારી પાછળ આવ્યો છે એટલે કંઈક તો કારણ હશે ને? ઠગનો કોઈ સંબંધી, કે પછી તેનો ચેલો, કે પછી તેનો પ્રશંસક, આ ત્રણમાંથી જ કોઈ હોય. 

બંને શક્યતાઓમાંથી જે હોય તે, વાંધો નહિ. હવે તો જે છે, તે છે. પણ સાવધ રહેવું જરૂરી હતું. કેમ કે જે પણ હશે, મારા માટે સંદેશ લખીને ગયો છે. 

મને ઓળખે છે. વર્ષોથી મને જોઈ રહ્યો છે; મારો નિત્યકર્મ, મારો ઈતિહાસ, મારી વ્યક્તિગત માહિતી અને બીજું બધુંય. રમત શરૂ થઇ ગઈ છે, તો ખેલાડી પણ સામે આવશે જ! થોડી વિગતો વધારે મળે, એટલે વધારે ખબર પડશે. જોઈએ.

***

મારા વિચારો ચાલુ હતા, એટલામાં તો રૂમમાં મૂકેલો ફોન રણક્યો. રીસેપ્શનથી કૉલ આવ્યો. માણસે કહ્યું કે એસ. આઈ. વિરાણી મારી રાહ જોઈ રહ્યા હતા રેસ્ટોરેન્ટમાં. મેં રૂમને તાળું માર્યું અને તેની પાસે ગયો. જોયું કે તે ખૂણામાં એક ટેબલ પર બેઠો હતો. ચાર ખુરશીઓ હતી, બે દીવાલ સાથે અને બે દીવાલની સામે. 

વિરાણી દીવાલ સાથે વાંસો રાખીને બેઠો હતો. હું પણ એમ જ બેઠો હોત. એ જગ્યામાં જે પણ થઇ રહ્યું છે તે જોવાની અનુકૂળતા અને કોઈના માટે પણ પાછળથી ઘા કરવો મુશ્કેલ. 

તેની બાજુની ખુરશીમાં બે ફાઈલો પડી હતી. ઠગ કેસની. વિરાણી મને સલામ કરવા ઉભો થયો અને પછી અમે બંને બેઠા.

‘ઘરે બોલાવવાની ઈચ્છા હતી બાપુ, પણ આજે હાઈકોર્ટને બીજે કામ હતું,’ વિરાણી હસતા બોલ્યો.

‘આવા કિસ્સાઓ સાંભળ્યા છે ભાઈ,’ મેં પણ સ્મિત કર્યું.

‘સાંભળ્યા છે? અનુભવ્યા નથી?’

હજૂરિયો આવ્યો, ટેબલ પણ પવાલા મૂકીને પછી એમાં પાણી નાંખીને જતો રહ્યો. એક બીજો હજૂરિયો થોડીક દૂર ઓર્ડર લેવા શાંતિથી ઉભો હતો. મેં વિરાણી ઉપર છોડ્યું અને તેણે ઓર્ડર આપ્યો. પછી મેં તેના પ્રશ્નનો જવાબ આપ્યો.

‘ફેરા ફર્યાજ નથી તો અનુભવ તો ક્યાંથી થાય?’

વિરાણીએ એક આંખ ઉંચી કરીને મારી સામે જોયું, પછી બોલ્યો.

‘બહુ દૂરંદેશી બતાવી હોં બાપુ,’ અને અમે બંને ખડખડાટ હસ્યા.

થોડીક મિનિટની વાતો પછી કેસ પર પહોંચ્યા.

‘લાશની જાણ થઇ?’

‘ના. બધી માહિતી મોકલાવી આપી છે સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોને. જોઈએ શું આવે છે.’

ગાંધીનગર સ્થિત સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો માહિતીનો ખજાનો હતો. પોલીસના હાથમાં આવેલી કોઈ પણ વ્યક્તિની વિગતો તેમની પાસે હતી.

મેં નજર ફાઈલો ઉપર નાંખી.

‘કંઈ વાંચવાનો સમય મળ્યો?’

‘થોડુંક,’ તેણે કહ્યું. ‘કેસની થોડી વિગતો ખબર પડી પણ પછી બીજાં કામ આવી ગયાં. પણ વાંચવા કરતાં આપ સંભળાવો તો સારું રહેશે.’

મેં ઘડીક વિચાર્યું અને પછી બોલ્યો.

‘ઠીક. સારું છે કે તમને થોડીક જાણ પહેલાંથી છે. હું તમને એ જણાવીશ જે ફાઈલમાં નથી. વિગતો તો તમે ત્યાંથી લઇ જ લેશો.’

જમવાનું આવી ગયું અને અમને પીરસવામાં આવ્યું. હજૂરિયાઓની તાલીમ સારી હતી. જરૂર પુરતી વાત અને શાંતિથી કામ. તે લોકો પીરસીને ગયા ને મેં વાતો શરુ કરી.

‘આજના કેસ જેવો પહેલાં કોઈ જોયો છે?’ હું બોલ્યો. મારું ધ્યાન જમવામાં પણ હતું. સવારનો ભૂખ્યો જે હતો! ભોજન સાદું હતું, મને ગમે એવું.

‘મેં થોડાક મોતના ગુના જોયા છે. પણ આવો તો નહિ. હવે ગામમાં આવું તે ક્યાં બને? થોડીક ચોરીઓ અને થોડાક વેર-ઝેર. પણ મારાં પેટનું પાણી હલે એવું કંઇજ નહિ.’

‘બસ ત્યારે. પણ ઠગ કેસના લીધે પાણી નહિ આખો સાગર હલી ગયો. શહેર હલી ગયું અને રાજ્ય હલી ગયું. અને મને લાગે છે આજની ઘટના ફરી એવું જ કંઈક કરવાની છે.’

‘આપ SITમાં કેવી રીતે આવ્યા?’ વિરાણીએ પૂછ્યું.

‘પ્રારબ્ધ કહી શકાય. પહેલો ભોગ બનનાર મારી ચોકીની હદમાં લોકોને મળ્યો.’

‘તંત્ર કઈ રીતે હલ્યું?’

‘કોઈ પ્રયોજન, ઉદ્દેશ્ય, હેતુ મળ્યો જ નહિ. બધા મરનાર અલગ, એમના વચ્ચે કોઈ સંબંધ નહિ. અમે બધાં અંધારામાં ફાંફા મારતાં હતાં. પ્રેસ લોહી પીને પાછળ પડ્યું હતું. રાજકારણીઓ અમારી પાછળ અને જાહેર જનતા અમારી પાછળ. પોલીસતંત્ર પર દબાણ બધી હદ પાર કરી ગયું હતું. આ દબાણ એ ફાઈલમાં નથી.’

‘સમજ્યો. રાજા અને પ્રજા વચ્ચે કચડાયેલા પોલીસવાળા! પ્રેસે શું કર્યું?’

‘શું નથી કર્યું? કૃતિ શાહના અહેવાલ વાંચજો. ત્યારે તો બસ તેની દૈનિક ગુજરાત સાથેની કારકિર્દીના શરૂઆતના દિવસો હતા. કદાચ હજુ ત્યાં જ કામ કરે છે.’

‘વાંચીશ. પણ એવા અખબારો ગમતાં નથી મને. પશ્ચિમની નકલ કરતાં કરતાં ભટકી ગયાં છે બધા. ખબર અને મંતવ્ય વચ્ચેનો તફાવત પણ ભૂલી ગયાં છે.’

મને હસવું આવ્યું, વિરાણીએ તેના ખોતરણા ચાલુ રાખ્યા.

‘બેવડું હથિયાર છે, અને આજે તો પહેલાં કરતાં પણ ધારદાર. સાચી કે ખોટી, બધી ખબર પળમાં આખા દેશમાં ફેલાઈ જાય છે.’ 

‘ખરું છે. સામાજિક મીડિયા સાથે બધા જ પત્રકાર એક થઇ ગયા છે.’

અમે બંને ધરાઈ ગયા હતા. 

‘હાલના ડી.જી.પી ઠગ કેસમાં SITના ઇન-ચાર્જ હતા ને?’

મેં હા પાડી.

‘હું તેમને જણાવું આજના વિશે?’ વિરાણીએ કહ્યું.

મેં નકારો દર્શાવ્યો, પછી કહ્યું, ‘હું જણાવીશ.’

‘કોઈ સલાહ?’ વિરાણીએ પૂછ્યું.

‘હાલ માટે કંઈ નહિ. આ એક તરફી ખેલ છે. કાતિલ બધા દાવ નક્કી કરશે. આપણે ખાલી તેની ચૂકની રાહ જોઈશું.’

‘બાપુ, તમે રાહ જુવો એવા માણસ લાગતા નથી.’

હું હસ્યો પણ કંઈ જવાબ ન આપ્યો. મેં મારી ફાઈલ લીધી, ભોજન માટે અભાર વ્યક્ત કર્યો અને પછી બંને છૂટા પડ્યા.

***