‘માયા, તું તૈયાર છે કે નહિ? પિક્ચર મિસ થઇ જશે,’ એની મમ્મી રજનીએ બૂમ પડતાં કહ્યું. એ માયાની રૂમ બહાર ઊભી હતી.
એટલામાં રૂમનું બારણું ખૂલ્યું અને માયા સામે તૈયાર ઊભી હતી.
‘મારો જન્મદિવસ. મારી પિક્ચર. મારા વગર ક્યાંથી શરૂ થાય?’ એ બોલી.
રજનીએ આઠ વર્ષની નાનકડી ઢબુડી તરફ પ્રેમથી જોયું. એણે વાદળી જીન્સ ઉપર પોકેમોનવાળું ટોપ પહેર્યું હતું અને એની ઉપર ગુલાબી કલરનું હૂડી નાખ્યું હતું.
‘અત્યારે હૂડી?’ રજની બોલી.
માયાએ મમ્મી તરફ આંખો ઊંચી કરતાં કહ્યું, ‘ મારો જન્મદિવસ. મારાં કપડાં.’ અને એટલું કહી તેણે હૂડીથી માથું ઢાંકી લીધું.
‘અચ્છા બાપા, ચાલ. પપ્પા નીચે ગાડીમાં રાહ જુએ છે.’
મા-દીકરી હાથ પકડી નીચે ઉતર્યા અને ઘરથી બહાર નીકળ્યાં.
‘અરે વાહ! મારી દીકરી તો એકદમ પરી લાગે છે.’ પ્રેમ બંનેને જોઇને બોલ્યો. એણે તરત ખીસામાંથી ફોન કાઢી માયાનો એક ફોટો ખેંચ્યો.
‘આજે પપ્પા ગાડી ચલાવશે. યાહૂ!’ માયા ફટથી આગળ બેસી ગઈ અને રજની હસતાં હસતાં પાછળ બેસી.
‘મારી દીકરીનો જન્મદિવસ. તો હું ડ્રાઈવર. આજે ડ્રાઈવર અંકલ રજા ઉપર.’ પ્રેમ બોલ્યો.
કોઠારી પરિવાર શહેરનો જાણીતો પરિવાર હતો. પ્રેમ જાણીતા કોઠારી ગ્રૂપનો માલિક હતો અને ઘરે સુખ સુવિધાની કોઈ અછત નહોતી. પૈસાથી મળી શકતી બધી જ સગવડો – ગાડી, બંગલો, નોકર ચાકર – કોઠારી પરિવાર પાસે હતી. માયા તેમની એકનીએક દીકરી હતી. જન્મદિવસે માયાએ મલ્ટિપ્લેક્સમાં જઈ પિક્ચર જોવાની માંગ કરી હતી એટલે કોઠારી પરિવાર સાંજે છ વાગ્યાનો શો જોવા જઈ રહ્યો હતો. પાછા આવીને માયા માટે એક મોટી સરપ્રાઇઝ પાર્ટી રાખી હતી મમ્મી-પપ્પાએ.
વાતોવાતોમાં પ્રેમે એની ઈમ્પોર્ટેડ ગાડી ઉડાડી અને મલ્ટિપ્લેકસની અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં જઈને ઊભી રાખી. ત્રણે જણ નીચે ઉતર્યા, પ્રેમે ગાડી લૉક કરી અને એ લોકો લિફ્ટમાં જઈને ઊભાં રહ્યાં.
‘મોડું થઇ ગયું લાગે છે,’ રજની બોલી. ‘કોઈ બીજું દેખાતું નથી.’
‘સિનેમા, જલદીથી.’ માયાએ લિફ્ટવાળા ભાઈને કહ્યું અને એણે માયાને દાંત બતાડી બટન દબાવ્યું. પાર્કિંગમાં તો ગિરદી નહોતી, પણ જયારે લિફ્ટનાં બારણાં ખૂલ્યાં તો ભીડ જોઈ રજનીએ તરત માયાનો હાથ પકડી લીધો. એમની જેમ જ કેટલાંય મા-બાપ તેમનાં બાળકોને લઈને પિક્ચર જોવાં આવ્યાં હતાં. કાર્ટૂન પિક્ચર હતી જે બાળકોને બહુ ગમતી.
‘માયા મમ્મીનો હાથ છોડતી નહિ,’ પ્રેમે દીકરીને કહ્યું..
એ ત્રણે ટિકિટ બતાવી અંદર પહોંચ્યાં અને તરત જ થોડા લોકો પોતપોતાની સ્ક્રીન તરફ ચાલવા લાગ્યા. અને બીજા થોડા બાથરૂમ તરફ ચાલ્યા.
‘માયા, જો હું વચ્ચે ઊભો નહિ થઉં, તારે બાથરૂમ જવું હોય તો અત્યારે જઈ આવ.’ પ્રેમ બોલ્યો.
‘ઓકે, પપ્પા. હું આવું છું અને તમે ત્યાં સુધી પોપકોર્ન, કોલા, અને સમોસાં લઇ લ્યો.’ માયા મમ્મીનો હાથ ખેંચી બાથરૂમ તરફ નીકળી.
‘અત્યારથી?’ પ્રેમ બોલ્યો પણ પછી હસીને સ્નૅક્સ કાઉંટર તરફ ચાલ્યો.
પ્રેમે દીકરીને જોઈતી બધી વસ્તુઓ ખરીદી અને પછી બંનેની રાહ જોવા લાગ્યો. પળવારમાં રજની દેખાઈ અને એની હાથમાં હાથ નાખી ચાલતી માયા.
‘ચાલો.’ રજની બોલી.
પ્રેમ સ્ક્રીન નંબર ચાર સુધી પહોંચ્યો અને બારણું ખોલી પછી અંદર ગયો. એણે એક પગે બારણું ખોલી રજની અને માયાને અંદર આવવા દીધો અને પછી ત્રણે એમની સીટ તરફ ચાલ્યાં. પિક્ચર ચાલુ થઇ ગઈ હતી. ફક્ત સ્ક્રીનનો ઘડીકમાં વધારે અને ઘડીકમાં ઓછો પ્રકાશ આવી રહ્યો હતો.
‘શું સીટ નંબર છે?’ રજનીએ પૂછ્યું.
‘ઈ બે, ત્રણ, અને ચાર.’
આઇલવાળી સીટ હતી કારણકે વચ્ચે બેસવાથી માયાને સ્ક્રીન નહોતો દેખાતો. એ લોકો જલદી જલદી જગ્યા શોધીને બેઠાં – પ્રેમ અંદરની તરફ, રજની વચ્ચે અને માયા બહારની તરફ.
‘માયા, દીકરા? ક્યાંય આડીઅવળી જતી નહિ હોં?’ પ્રેમ બોલ્યો.
‘હં,’ માયાએ પપ્પાના હાથમાંથી પોપકોર્ન લેતાં કહ્યું અને પિક્ચર જોવા લાગી.
‘અને તો પેલું હૂડી તો કાઢ, કંઈ દેખાય પણ છે તને?’ પ્રેમ બોલ્યો.
‘હં,’ માયા પ્રેમને સાંભળ્યા વગર જ બોલી, તે પિક્ચર જોવામાં મશગૂલ થઇ ગઈ હતી.
‘હું જોઉં છું એને. તમે હવે એને પિક્ચર જોવા દો,’ રજની બોલી. હૉલ બાળકોથી ખચાખચ ભરાઈ ગયેલો હતો. જ્યાં નજર જાય ત્યાં બાળકો અને બાળકો.
માયા સીટ પર એકદમ આગળ બેસી પિક્ચર જોવા લાગી અને પ્રેમ અને રજની ઘડીએ ઘડીએ એને જોઈ એકબીજા સામે હસતાં. થોડીવાર રહી આઇલમાં નાનાં નાનાં બાળકો ફરવાં લાગ્યાં, કોઈ આઇલના પગથીયે બેસી ગયું તો કોઈ ઉપરથી નીચે બધા લોકોને જોતાં જોતાં ફરવાં લાગ્યું. લગભગ અંધારામાં આ બાળકો ક્યારેક સીટ ભૂલીને કોઈ બીજા પાસે જ જતાં રહેતાં અને પછી પાછળથી મમ્મી કે પપ્પા બોલાવી લેતાં. પણ પિક્ચર એકીટસે સહુ જોઈ રહ્યાં હતાં. માયા પણ અન્ય બાળકોને જોઈ સીટ પર આઘીપાછી થવા લાગી.
પિક્ચરના અવાજમાં વધારે કંઈ સંભળાતું નહોતું. માયાએ રજની તરફ મોં કર્યા વગર જ ધીમેથી કહ્યું : ‘હું ત્યાં પગથીયે બેસું છું.’
રજની કંઈ બોલે તે પહેલાં તો માયા ઊભી થઇ એની સીટ પાસેના પગથીયા પર જઈને બેસી ગઈ.
‘જો તો આને,’ રજની પ્રેમને બોલી. ‘અહીં આવી તો કેવી મજામાં આવી ગઈ છે.’
‘નજર રાખજે એના ઉપર,’ પ્રેમે હકારો આપતાં કહ્યું.
‘હં.’
માયા ત્યાં જ બેઠાં બેઠાં પિક્ચર જોતી રહી.
‘આપણી દીકરી આજે આઠ વર્ષની થઇ ગઈ,’ પ્રેમ બોલ્યો. રજનીએ એની તરફ જોયું.
‘સમય કેટલું તેજ દોડે છે નહિ, પ્રેમ?’ રજની બોલી. ‘ઘણીવાર એને જોઉં છું તો સાવ મોટી થઇ ગઈ હોય એમ વર્તે છે અને ઘણીવાર ફરી ત્રણ વર્ષની ઢબુડી થઇ જાય છે.’
બંને પળવાર તો ભૂતકાળમાં ખોવાઈ ગયાં. અને પછી રજનીએ ફરીથી માયા ઠીક છે તેમ ચકાસવા પગથીયા તરફ જોયું.
પણ માયા ત્યાં નહોતી!
રજની તરત ઊભી થઇ ગઈ અને એનો પ્રતિભાવ જોઈ પ્રેમ પણ ઊભો થઇ ગયો.
‘શું—’
‘માયા ક્યાં છે?’ રજની બોલી અને આઇલમાં બધે જ જોવા લાગી.
‘અહીં જ હશે, ફરતી હશે. શાંતિ રાખ.’ કહી પ્રેમે અઈલમાં પગ મૂક્યા અને ધ્યાનથી માયાને શોધવા લાગ્યો.
પાંચ મિનિટ પછી આખા હોલમાં રજનીની ‘માયા, માયા’ની બૂમાબૂમ સંભળાવા લાગી.